જીવંત પગરણ

🌸આરતી સોની🌸

💞..જીવંત પગરણ..💞

“હેલો..”
“કોણ.?? શીલાનો મોબાઇલ તમારી પાસે ક્યાંથી આવ્યો? શીલા ક્યાં છે.?”
“એમનો એક્સિડન્ટ થયો છે. વૈષ્ણોદેવી મંદિર નજીક રીક્ષા પલટી ખાઈ ગઈ, ને એમને કે.ડી. હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, તમે જલ્દી પહોંચો.”

વિરાટ પથારીમાંથી સફળો બેઠો થઈ ગયો, “હે..!! શું..?”
“એમના પર્સમાંના મોબાઈલમાંથી છેલ્લો નંબર આ હતો, એ જોઈ ફોન લગાવ્યો.. તમને કેટલી બધી રિંગો મારી, પણ તમે ફોન ઉપાડતા જ નહોતાં.”
“હા.. હા.. આવ્યો.. આવ્યો..”
વિરાટે બૂમ મારી.. “મમ્મી..”
સુશીલાબેન કીચનમાં ગેસ પર કૂકર ચઢાવી રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં.
“હા..”
“મમ્મી શીલાનો રીક્ષામાં એક્સિડન્ટ થયો છે. હું હૉસ્પિટલ જાઉં છું..”
“અરે.. રે… એક્સિડન્ટ? એતો રોજ બસમાં જાય છે ને..આજે રીક્ષામાં ગઈ છે? ચાલ હું પણ આવું છું સાથે.”
“ના મમ્મી અત્યારે પહેલાં હું પહોંચું, જોઉં શું થયું છે.. હું ફોન કરું છું જે હશે એ! પછી તું મોડાં આવ. કેટલું અને કેવું બહું વાગ્યું છે કે શું..?”
“હા.. હા.. બેટા જટ જા, અને પહેલાં પહોંચી મને ફોન કરજે. કેવું છે શીલાને.”

વિરાટ એક્ટિવાની ચાવી લઈ ફટાફટ નીકળ્યો… ધ્રુજતા હાથે પરાણે એક્ટિવા સ્ટાર્ટ કરી હૉસ્પિટલ પહોંચ્યો. એ પહોંચ્યો ત્યારે શીલા ઑપરેશન થિયેટરમાં હતી. બરાબર પચીસેક મીનિટ પછી સ્ટ્રેચર પર શીલાને બહાર લાવવામાં આવી. વિરાટ એને જોઈને વળગી પડ્યો.
“શું થયું? શું થયું છે શીલાને?”
શીલા હજુ એનેસ્થેસિયા આપ્યું હોવાથી બેભાન હાલતમાં હતી..
ડૉક્ટરે કહ્યું, એમને પગમાં ત્રણ ફ્રેકચર છે અને ઢીંચણની ઢાંકણી ખસી ગઈ હોવાથી ઑપરેશન કરવું પડ્યું છે.”
શીલાને જનરલ રૂમમાં બારી પાસેના ખાટલે ખસેડવામાં આવી. શીલા જ્યારે અડધો કલાકે ભાનમાં આવી ત્યારે વિરાટ બાજુની ખુરશીમાં એનો હાથ પકડી સજળ નયને શીલાની આંખો ખુલવાની રાહ જોઈ બેઠો હતો.
“કેમ છે શીલુ.. આ શું થઈ ગયું?”
એનેસ્થેસિયાની અસર ધીમી થતાં શીલાને કળતરનો અહેસાસ થતો હતો . એનું ગળું સુકાતું હતું. એ બોલી, “પાણી..”
વિરાટે એક ચમચી પાણી પાયું અને બોલ્યો,
“શીલા આ શું થઈ ગયું? ને કઈ રીતે થયું?”
“મને પણ ખબર નથી કઈ રીતે થઈ ગયું.”
“પણ તું તો બસમાં ઑફિસ જાય છે, તો આજે કેમ રીક્ષામાં..”.
“એ.એમ.ટી.એસ.બસોની હડતાળ હોવાથી અમે ત્રણ બહેનોએ શેરિંગમાં રિક્ષા કરી હતી.” અટકીને ત્રુટક ત્રુટક શીલા બોલી રહી હતી..
“તો કોઈને કંઈ નથી થયું.?”
“બીજી જે બે બહેનો હતી એમની ઑફિસ પછી મારી ઑફિસ આવતી હતી, એમને ઉતર્યા પછી થોડેક આગળ ગયા પછી રિક્ષા કશેક ધડાકા સાથે અથડાઈ અને હું કંઈ જાણું સમજું એ પહેલાં રીક્ષા પલટી ખાઈ ગઈ. પછી શું થયું કંઈ જ ખબર નથી.”

વિરાટ આખો દિવસ શીલાનો હાથ પકડી એની પાસે જ બેસી રહ્યો. એક વખત ઘરે જઈને એની મમ્મીને મળવા લઈ આવ્યો. અને દોડાદોડ કરી ચા નાસ્તો ને જમવાનું બરાબર ધ્યાન રાખતો. ત્રણ દિવસ પછી ડૉક્ટરે પંદરેક દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવા જણાવ્યું અને એમ પણ કહ્યું કે, ‘જમણા આખા પગમાં અને ઘુંટણમાં મલ્ટી ફ્રેકચર થવાને કારણે ઘોડીના સ્પોર્ટ્ વિના ચાલવું શક્ય નથી.. થોડી થોડી એક્સરસાઇઝ ચાલુ રાખજો તો આગળ જતાં ઘોડીના સહારાની જરૂર નહીં પડે પણ જમણા પગમાં ખોડ તો રહેવાની જ..!!”

આ સાંભળી શીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઘડીભરમાં આ શું થઈ ગયું, કે સઘળું હતું ના હતું થઇ ગયું..

વિરાટ પણ સાંભળીને ઢીલો પડી ગયો. એ બોલ્યો, “શીલા આ કારણે જ તને જોબ કરવાની ના પાડી હતી. ખાલી ઘર સંભાળે તોય ઘણું છે.! મમ્મીએ પણ તને કેટલું સમજાવ્યું હતું. પણ તું ન માની.”

“પણ વિરાટ, તું તો જાણે છે, હું ઘરમાં કેટલી કંટાળતી હતી. આપણા લગ્નને સાત વર્ષ થવા આવ્યા, કોઈ બાળકેય નથી. અને ઘરમાં પૈસાની ખેંચતાણ ઓછી થાય એટલે તમને મદદરૂપ થવાની ભાવના સાથે જોબ ચાલું કરી હતી.”

“હવે તું જ જો.. મદદ બાજુમાં રહી ગઈ.. ઉલ્ટાના આ હૉસ્પિટલના ખર્ચાઓ થશે એ વધારાના..”

શીલા ચોધાર આંસુડે રડતી રહી અને વિરાટ નીકળી ગયો.. ચોથા, પાંચમા દિવસે એ સવાર સાંજ આવ્યો, એ પછી તો શીલાની ખબર પુછી જતો રહેતો.. શીલાની રોજની પગની એક્સરસાઇઝને કારણે હવે પંદર દિવસે ધીરે ધીરે કાખ ઘોડીને સહારે ચાલતી થઈ ગઈ હતી. ડૉક્ટરે હૉસ્પિટલથી ઘરે જવાની રજા આપતાં વિરાટ એને ઘરે લઈ તો આવ્યો પણ એનાં વર્તનમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. સાસુમા એની બાજુ ફરકતાં પણ નહીં. અને ઉપરથી ટોણાં મારતાં..
“આપણા ઘરની સ્ત્રીઓ કદી નોકરી કરવા બહાર નથી નીકળતી.. આય..હાય.. શું થશે મારા વિરાટનું?? ભર જુવાનીમાં બિચારાનો મનખો એળે ગયો..”

ઘરની જવાબદારી નિભાવી.. એક પત્ની તરીકે અને એક વહુ તરીકે ક્યારેય ક્યાંય ઊણી ન ઊતરે એનું ખાસ ધ્યાન રાખતી હતી શીલા.. એ મનમાં વિચારતી શું વિરાટ ને એક્સિડન્ટ થયો હોત તો? એ વખતે મારો મનખો મારો ન કહેવાત ? અને અંતે આ જ શબ્દો દર થોડા દિવસે સાંભળવાં મળતાં..

વિરાટ ઓછું ભણેલો હતો, છતાં શીલાએ દિલથી એને પ્રેમ કર્યો હતો એટલે જ પોતાના મમ્મી-પપ્પા વિરુદ્ધ જઈને એણે લગ્ન કર્યા હતાં..

‘ભર જુવાનીમાં મનખો એળે ગયો.’ સાસુમા ટોણાં સહન થઈ જાત પણ… વિરાટના શબ્દો શીલાને શૂળીયા માફક ચૂભતા હતાં. પ્રેમ કર્યાની પીડાનો અનુભવ કરાવતાં હતાં. શીલા હસીને બધું જ વેઠી લેતી . ખરેખર સાચો પ્રેમ કોણે કર્યો ? શીલાએ જ ને કે વિરાટે ? માતા-પિતા ની વિરુદ્ધ જવાના બદલામાં શું મળ્યું શીલાને, પ્રેમની પીડા જ ને કંઈ બીજું..?

એનાં કામ એ જાતે જ ઘોડી પકડીને કરી લેતી. એકમાંથી બે બેડરૂમમાં વહેંચાઈ ગઈ હતી શીલા.. એનો સામાન બીજા નાના રૂમમાં ફેરવવામાં આવ્યો. હવે એ એમનાં માટે બોજારૂપ લાગવા લાગી હતી.

શીલાનું હૈયું તો જાણે કચડાઈને કૂચો થઈ ગયું હતું. જીવનનો કોઈ ભરોસો નથી હોતો, ક્યારે કોના વર્તનમાં શું ફેરફાર થાય કંઈ કહેવાય નહીં. ક્યાં હું એ વખતની શીલા ને ક્યાં અત્યારે આ બેબસ લાચાર શીલા.. કેટલો વટ હતો આ શીલાનો. કેટલું અભિમાન હતું પોતાના દેખાવ પ્રત્યે. આમ વિચારો કરતી એ તંદ્રામાં સરી પડી.

રોજ કૉલેજ જતાં તૈયાર થઈ પોતાની જાતને દર્પણમાં જોઈ નખરાં કરી ટીખળખોરી કરતી.. દર્પણમાં જોઈ પોતાની આંખોમાં ડોકિયાં કરતી અને શરમાઈને આંખો મીંચી તીરછી આંખે પાછી દર્પણમાં જોઈ લટકાથી ચાલતી ને ગીત ગણગણતી. “ચઢતી જવાની હાયે ચાલ મસ્તાની તૂને કદર ના જાની હાયે રામા.. હાયે રામા.. હાયે રામા…’
ને કમરનો ઠૂમકો મારી અદાથી સ્ટેચ્યુ થઈ ઊભી રહી જતી..
પ્રેમાળ ને હૃદયથી છલકતી શીલા કૉલેજમાં પોતાની સાથે ભણતા વિરાટ પ્રત્યે આકર્ષિત થઇ ગઈ હતી. શીલાનું દિલ પહેલી વાર ધક ધક થયું હતું એ દિવસે.. એણે સામેથી વિરાટને પ્રપોઝ કર્યું હતું.. મમ્મીએ ઘણું સમજાવ્યું છતાં પોતાના ફેંસલા પર અડગ રહી.. એના પપ્પા ઇન્ડસ્ટ્રિયાલીસ્ટ છોકરાઓ બતાવતા રહ્યા, છતાં ન માની..!!

ને આંસુની ધાર વહી હોઠ પાર કરી સીધી મોઢામાં… તોફાની દરિયાએ જાણે મોજા ઉછળી છાલક મારી, ધમાસણે મચેલા દિલને હચમચાવી મૂકી ને શીલા તંદ્રામાંથી ઝબકી ઉઠી..

પક્ષીઓનાં કલબલાટથી નિશા ઉષા બનવા થનગની રહી હતી.. શીલાને આત્મિયતાના દર્શન થયા.. આંખોમાંથી પ્રેમનાં આવરણથી ઘેરાયેલા ઝરણાં વહી નીકળ્યાં.. અંધારપટમાંથી ઉજાસ તરફ જીત મેળવવા અદ્ભભૂત જીવનનો પ્રારંભ થયો.. શીલા પોતાને પીંછા જેવી નકરી હળવીફૂલ મહેસૂસ કરી રહી હતી..

આકાશમાંથી વાદળોની છાતી વીંધીને, બંધ બારીની તરડમાંથી ઘૂસી વહેલી સવારનો તડકો શીલાની આંખો પર પડતાં પડળ સળવળી ઊઠ્યાં.. શીલા કાંખ ઘોડી પકડી ઊભી થઈ. મક્કમ દ્રષ્ટિએ દર્પણમાં જોયું. “હા હું જીવન જીવીશ ! મરતાં મરતાં નહીં પણ જીવંત રહીને જીવન જીવીશ…!!”

કોમ્પ્યુટર પર ઇમેઇલ ચેક કરવા બેસી ગઈ.. અને શીલાએ નવેસરથી જીવંત જીવન તરફ રુહાના પગરણ માંડયા..

©આરતીસોની

Advertisements

”મફતનો રોટલો”

સાંજે જમી ઘરના કામકાજથી પરવારી નેહા પતિ સંજય સાથે ગપાટા મારવા બેસી ગઈ. દીકરાને વેકેશન શરૂ થવાથી હવે એ થોડું હળવાશ મહેસૂસ કરતી હતી.

એટલામાં દીકરાએ ફરમાઈશ કરી મોમ બરફ ગોળો ખાવા જઈએ. એતો રેડી જ હતી. સંજયને પુછતાં એણે હા પાડી એટલે એ પાકિટ લેવા રૂમમાં ગઈ, પાકિટ ન મળતા ખૂબ ચિંતામાં આવી ગઈ. એને યાદ આવ્યું કે એક બે દિવસ પહેલા શાક લેવા નિકળી હતી ત્યારે પાકિટ ચોક્કસ શાકની લારી પર ભૂલી ગઈ લાગે છે.

સંજયે સમજાવતાં કહ્યું,

”પાકિટ આડા હાથે મૂકાઈ ગયું હશે તું ખોટી ચિંતા ન કર મળી જશે. તારા ચહેરા પર ચિંતાની લકીરો જરા પણ સુટ નથી થતી. પાકિટ મળી જશે, અને નહિં મળે તો શું થયું મારા માટે અગત્યની તું છે. નેહા મેડમ ચાલો જલ્દી આપણે બરફ ગોળો ખાવા જઈએ પાકિટ નવું આવશે..”

”અરે સંજય પાકિટ તો નવું આવશે પણ અંદર રૂપિયા હતા.”

સંજયે વાત કાપતા કહ્યું,

”અરે રૂપિયા થોડા વધારે કમાઈ લઈશું તું ચિંતા ન કર.”

નેહા પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાઈ રહી હતી, પરંતું સાથે પતિ સંજયનો પ્રેમ જોઈ ગદગદ થઈ ગઈ.

સંજયે સમજાવ્યાં છતાં બીજા દિવસે સવારથી કોણ જાણે નેહાને પાકિટ ખોવાઈ જવાથી ચિંતિતમાં થોડી બેચેની જેવું લાગતું હતું. કામમાં ચિત્ત ચોટતું નહોતું. થોડું ઘણું પરાણે કામ પતાવ્યું ન પતાવ્યું કરી રસોડું નિપટાવી સોફામાં આડી પડી. છાપું વાંચવાની કોશિશ કરી, પરંતું મન વ્યાકુળ હતું. વિચારોના ધણે માજા મૂકી હતી, ઉંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, થોડીક વાર મોબાઈલમાં વોટ્સએપમાં ગપાટા મારતી પડી રહી. હવે સાંજ પડવા આવી છે એ શાકવાળો આવી જ ગયો હશે. એમ મનોમન બબડતી સાંજ પડ્યાં પહેલાં જ તૈયાર થઈને એક્ટિવાને મારતે ઘોડે ચલાવી પહોંચી શાકની લારીએ. જ્યાંથી રોજ એ શાક લેતી હતી. એ શાકવાળો દરરોજ એક જ જગ્યાએ આવી ઊભો રહેતો હતો. એના મનમાં કંઈ કેટલાયે સવાલો ઊભા થયા, ‘શાકવાળાની લારી પર પાકિટ રહી ગયું હોય તો પાછું તો ન જ આપે. શું કામ આપે.. એક સામટી આખા મહિનાની મહેનતના રૂપિયા હાથમાં આવી જાય પછી કોણ આપે..’

ભ્રમિત વિચારો કરતી નેહા થોડીવારમાં ત્યાં પહોંચી ગઈ, પરંતું શાક વાળો હજુ આવ્યો નહોતો. નેહાએ ત્યાં બીજો કોઈ શાકવાળો ઊભો હતો તેને પુછ્યું કે,

”અહિં રોજ ઊભો રહે છે એ શાકવાળો નથી આવ્યો?”

”ના મેડમ એ બે દિવસથી આવ્યો જ નથી.”

નેહા આ સાંભળી મનમાં બબડવા લાગી. ‘ક્યાંથી આવે હવે આટલો મોટો દલ્લો હાથ લાગ્યો છે.’ આવા વિચારો સાથે એણે એક્ટિવા ચાલું કર્યું ને નિકળતી જ હતી ને પેલાં બીજા શાકવાળાએ કહ્યું.

”ઊભા રહો મેડમ..લ્યો આ પરશો આવી ગયો.”

નેહા એ જોયું પરશો લારી લઈ દોડતો દોડતો આવતો હતો. આવતા વેંત એણે એના ગલ્લામાંથી પાકિટ કાઢી આપતા કહ્યું.

”મેડમ લો આ તમારું પાકિટ બે દિવસ પહેલાં તમે મારી લારી પર જ ભૂલી ગયા હતા, શાકના પૈસા આપ્યા પછી આ શાક ભરવાની ગડમથલમાં.. મેં મારા ગલ્લામાં સાચવીને મૂકી દીધું હતું. એ દિવસે બહું મોડા સુધી તમારી વાટ જોઈ પણ તમે પાછા લેવા આવ્યા જ નહીં. ઘરે ગયોને મારો છોકરો બહું બિમાર પડી ગયો હતો. એની બે દિવસ તબિયત ખરાબ રહી, આજે થોડું સારું થયું એટલે તમારા પાકિટ હારું હું ભાગતો આવ્યો.”

એકી શ્વાસે પરશાએ બધું બોલી નાખ્યું. નેહાએ પાકિટ ખોલી જોયું, પણ બધું અેમજ હતું. કંઈજ આઘુંપાછું કર્યુ હોય અેવું ન લાગતા બોલી.

”પરશા તને જરાપણ લાલચ ન થઈ પાકિટના રૂપિયા લેવાની.”

”ના મેડમ મારા બાપુએ શીખવ્યું છે મફતનો રોટલો પચે નહીં કદિ.”

”તને ખબર છે આમાં કેટલા રૂપિયા છે.?”

”ના મેડમ મેં તમારું પાકિટ ખોલીને જોયું જ નથી. જોવું તો લાલચ થાય ને?”

”આમાં પુરા બાર હજાર છે, જે હું કરિયાણાનું બિલ ચૂક્તે કરવા લઈ નીકળી હતી. પરંતું કરિયાણાની દુકાન બંધ હોવાથી સીધી શાક લેવા આવી ગઈ હતી.”

આજે નેહા પ્રભુનો પાઢ માનવા લાગી કે, ‘ખરેખર આ દુનિયામાં સારા માણસો પણ છે.’ સાથે સાથે એના પતિ સંજય પ્રત્યે પણ માન ઊભરી આવ્યું કે, ‘પત્નિની બેદરકારી હતી છતાં પ્રેમથી વાત સંભાળી લીધી..’

અને એણે પરશાને એની ઈમાનદારીના એક હજાર રૂપિયા બક્ષિસ આપી.. પરશો રૂપિયા લેવાની ના પાડતાં નેહાએ કહ્યું, “લઈ લે ભાઈ હું ખુશ થઈને આપું છું.. તારો દીકરો પણ બિમાર છે, કામ લાગશે.. આ તો તેં પાકિટ પાછું આપ્યું, ન આપ્યું હોત તો કદાચ, હું ખોવાઈ ગયું સમજી લેત.. આ તારી ઈમાનદારીની કમાણી છે. મફતની નહીં.”
પરશો આંખમાં ઝળઝળીયા સાથે બોલ્યો, “મેડમ ડૉક્ટરની ફી ચૂકવી દીધી છે, પણ દવાના રૂપિયા બાકી છે, એ હમણાં જ જઈને ચૂકતે કરી દઉં છું. મારી ઘરવાળી ખુશ થઈ જશે.”

અને નેહા મનોમન ખુશ થતી બોલી..
“માનવતા મરી નથી પરવારી..
ખરેખર હજી પણ છે જીવતી..”

-અસ્તુ.
આરતીસોની

❤વૈદ્ય નો ઉકાળો ❤

☀આરતીસોની☀

❤વૈદ્ય નો ઉકાળો ❤

આજે જસીબેન સવારથી જ કંઈક દુઃખી હતા. માંડ માંડ સેવા પૂજા પતાવી બહાર ખુલ્લામાં હિંચકે આવી બેઠા. સાડા દસ થવા આવ્યા હતાં એટલે બહાર પણ થોડી ગરમી વધવા લાગી હતી. એટલે એમને બહાર ગરમી લાગતાં ધીમેધીમે ચાલતાં પાછા અંદર આવી બેઠાં.

આજે એમને બહુ એકલું લાગતું હતું મનુભાઈ વગર આજે દિવસ કાઢવો કઠિન લાગ્યો. આમ તો એમને કંઈક હૈયા વરાળ ઠાલવવી હોય તો એ એમની આગળ સઘળું બોલી કાઢતાં. પણ આજે એમને મનુભાઈની ખોટ સાલી રહી હતી. એમણે મોબાઇલમાંથી નંબર કાઢી મનુભાઈને ફોન લગાવ્યો પણ નો રિપ્લાય આવતાં આંખો ભીની થઈ ગઈ. પતિની એમને ખરી કિંમત સમજાઈ ગઈ હતી. આખો દિવસ કચકચ કરતાં રહેતાં જસીબેન મૂંગા થઈ ગયા હતા. એમને એમ થયું લાવ એક માળા કરી લઉં મન હળવું થશે. પણ માળા કરવામાં પણ ચિત્ત ના ચોંટ્યું.

ત્યાં જ એમને એમની સખી વંદનાની યાદ આવતાં મોબાઇલમાંથી વંદનાને રિંગ મારી. વંદના તો જાણે રાહ જોઈને જ બેઠી હોય એમ તરત જ ફોન ઉપાડી બોલી,

“હા બોલ જસી હું તને જ યાદ કરતી હતી મજામાં છેને?”

જસીબેને કમને હા તો પાડી દીધી. પણ મનમાં મુંજારો બહું હતો. એમણે વંદનાને કહ્યું,

“કેમ મને યાદ કરતી હતી? નવરી હોય તો આવને ઘરે બેસીશું સાથે. અને વાતો કરશું.”

“આજે તો નહીં આવી શકાય, કેમકે મારી મોટી બહેન મીના જામનગરથી આવી છે. તું તો મળેલી જ છે ને એને? એ તારા ખબર અંતર પૂછતી હતી. જસીને કેમ છે ઢીંચણનો દુઃખાવો?”

“ઢીંચણે એવું જ છે, કોઈ ફેર જ નથી પડતો જો. વૈદ્યની દવા ચાલું કરી તોયે એવું ને એવું છે. એક તો જાત જાતના ઉકાળા પીવાના. તોય ફેર પડતો નથી. ને ઓસિયાળા કેટલા. બળ્યો ઢીંચણ કામ ન કરે, ત્યાં કોઈ બનાવી આપે ત્યારે પીવાય..” એટલું બોલતાં તો જસીબેનની આંખોમાં જળજળીયા ભરાઈ ગયાં. બીજું કંઈ ફોનમાં બોલી ન શક્યા.

“જો જસી વૈદ્યની દવા ધીરેધીરે જ અસર કરવાની. તારે એમાં ચરી પાડવા સાથે ધીરજ પણ એટલી જ રાખવી પડશે. એના કરતાં તું એક કામ કર. વસ્ત્રાપુર પાસે હૉસ્પિટલ છે, ડૉ. તુષાર ચૌધરીની. એમને બતાવ ઘણાં બધાંને મોંઢે એમનું નામ સાંભળ્યું છે. બહું હોશિયાર ડૉ. છે અને જલ્દી ફેર પણ પડશે ઢીંચણમાં.”

“આ તારા ભાઈ હરદ્વાર ન ગયાં હોત તો, કાલે જ બતાવી આવત. મને કોણ લઈ જાય છેક ત્યાં સુધી. ખાલી મારો એક ઉકાળો બનાવતાં તકલીફ પડી જાય છે મારી અમી વહુને.. ત્યાં ડોક્ટર બદલવાની વાત સાંભળીને મોંઢું મચકોડશે.” છેવટે જસીબેને હૈયાવરાળનો એક ઉભરો ઠાલવી જ દીધો.

“હા શું કરીએ આજકાલની વહુઓને કામવાળા રાખીનેય ઘરના કામ કરીને થાકી જાય છે. ચલ હું મૂકું ફોન. મીના પાછી કંટાળશે એકલી એકલી.. તારી સાથે વાતોના વડા કરવામાં.”

ફોન મૂકતાં જ જસીબેન પાછાં એજ વિચારોમાં ખોવાઈ ગયા. જમવાનું પણ મન નહોતું આજે. જ્યાં ત્યાં સાંજ થવા આવી એટલે સોસાયટીના ગેટ પાસે આવેલા મંદિરના પરિસરના બાંકડે આવી બેઠાં. મનમાં એકજ વાત ગુંગળાયા કરતી હતી.

‘ક્યારેય મેં અમીને ખસ પણ કહ્યું નથી. અને એણે મને આજે આવા શબ્દો સંભળાવી દીધાં. મારે બહાર જવું છે. જાતે બનાવી લો તમારા ઉકાળા. આ કંઈ રીત હતી વાત કરવાની.? એજ સમજાતું નથી. ઢીંચણમાં પહેલાં સારું હતું, ત્યારે હું જ એમને પીક્ચરની ટીકીટો મંગાવી દેતી હતી અને છોકરાઓને પણ રાખતી. એકવાર તો એમને બે દિવસ આબુ અંબાજી ફરવા જવું હતું. મેં સામેથી મોકલ્યા હતા કે તમતમારે ફરવા જાઓ શાંતિથી.. હું બેઉં છોકરાઓને રાખીશ. પણ હવે અત્યારે મારાથી કામ ન થાય તો એમણે સંભાળી લેવાની જવાબદારી છે.! બે ડગલાં માંડ ભરાય છે. કોઈ જગ્યાએ ટકીને ઊભી રહી નથી શકતી.’

એવું વિચારતા વિચારતાં મોટું ડુસકું ભરાઈ ગયું. અને જસીબેન રડી પડ્યાં. આજુબાજુ જોઈ લીધું. ‘કોઈ જોતું નથી ને..? નાહક કોઈ જોઈ જાય ઘરની વાતો સોસાયટીમાં થવા લાગે.’

એ બીકે એમણે મોંઢા આગળ રૂમાલથી હાથ મુકી જોવા લાગ્યા. ત્યાંજ અમીએ એમનો હાથ પકડી લીધો.

“કેમ મમ્મી તમે એકલા એકલા આમ અહીં બાંકડે આવી બેઠાં છો.?”

“કંઈ નહીં બસ એમજ.! જરા ઘરમાં મન ગુંગળામણ અનુભવતું હતું. એટલે વિચાર્યુ બહાર જરા લટાર મારી આવું.” એટલું બોલતાં બોલતાં મોટું ડુસકું ભરાઈ ગયું. પણ સમજીને ગળેથી ઉતારી લીધું.

અમી સમજી ગઈ મમ્મી સવારની મારી વાતથી દુઃખી છે. એ ખોંખારો ખાઈ બોલી.

“મને ઘણીવાર ખબર નથી શું થઈ જાય છે. બોલવાનું ભાન જ નથી રહેતું. સારું મમ્મી મને માફ કરી દો. ફરીથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. તમે મને કેટલું સાચવો છો તોયે હું ભૂલ કરી બેસું છું.”

“સારું સારું હવે ફરીથી પાછી રડાવવી છે, કહે તો મને.. ‘સુબહ કા ભૂલા સામકો વાપસ આયે ઉસે ભૂલા નહી કહેતે…’ ભૂખ લાગી છે ચલ ઘરે.”

“મમ્મી હાથ આપો તમારા. જુઓ તો હું શું લાવી છું તમારાં માટે..”

અને જસીબેન અવઢવમાં પડી બોલ્યા. “કહે શું લાવી છે તું?”

“બસ પહેલા તમે આંખો બંધ કરો..”

અને અમીએ પર્સમાંથી લાવેલી હીરાના કંગન મમ્મીના હાથમાં પહેરાવી દીધા. અને ભેટી પડતાં બોલી. “હેપી ફ્રેન્ડશીપ ડે મમ્મી..”

અને જસીબેન કંગન જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. આખા દિવસના પડું પડું થતાં દુઃખના આંસુ અત્યારે ખુશીના માર્યા ચોધારે વહી પડ્યાં.

“આ ફ્રેન્ડ શીપ ડેની મને સમજ ન પડે. પણ જો આજથી મારી સાચી સખી તું જ છે. હું તો તને હાથમાં પહેરાવા રેશમી ધાગોયે નથી લાવી.. આપણે બે મા દીકરી તો હતાં જ પણ આજથી સખીઓ પણ છીએ..”
અને જસીબેન હરખ ઘેલા થઈ જઈ હાથ ઊંચા કરી બંગડી નિહાળતાં ગીત ગાવા લાગ્યાં.
“ખનકી જો ચૂડિયાં હાથોમાં..
આઈ પિયા મિલનકી યાદ..”

“મમ્મી ચલો ઘરે બીજી પણ એક સરપ્રાઇઝ આપવાની છે.”

“એ શું?” આંસુ લુછતાં લુછતાં ખુશ થતાં જસીબેન બોલ્યાં.

“પપ્પા અત્યારની સાત વાગ્યાની ટ્રેનમાં જાત્રા પતાવી હરદ્વારથી પાછાં આવે છે. એમને લેવા ગયા છે વિવેક.. એ લોકો આવતાં જ હશે..”

અને બન્ને ખુશીથી ભેટી પડ્યાં..

આરતીસોની @રુહાના.!
અમદાવાદ. 5/8/18

કાળિયા કૂતરાને ભીતિ સેવાઈ

આરતીસોની

કાળિયા કૂતરાને કોઈ ભીતિ સેવાઈ

પરસેવે રેબજેબ..
આજે બળબળતી બપોરે..
જંગલ વિસ્તાર તરફ દોટ મૂકી..
એ કાળિયા કૂતરાને કોઈ ભીતિ સેવાઈ ગઈ હતી..
ગામમાં સહુને ફળિયે
કાનોકાન ચર્ચા ચાલી..
સંતાકૂકડીની નવી એક ઉપાધિ ચાલી..
નથી કોઈનેય વેકેશન..
કે નથી કોઈનેય ટેમ..
ને નથી એ કાળિયા કૂતરાને કોઈ વ્હેમ..
કાળિયા કૂતરાને કોઈ ભીતિ સેવાઈ ગઈ હતી..
દરેક બાળપણને
વિડિયો ગેમની વ્યાધિ વળગી..
ગિલ્લી-ડંડાની રમતને સુનામી લાગી ગઈ હતી..
સઘળું નામશેષ કરવાની દરેક જણમાં
જાણે એક શરત લાગી ગઈ હતી..
એ કાળિયા કૂતરાને કોઈ ભીતિ સેવાઈ ગઈ હતી..
પ્રેમના બાગમાં આજ
પાનખર દોરાઈ રહી હતી..
નવા પર્ણોની ખોટ સાલી રહી હતી..
છનછન કરતી પનિહારીને કાંકરીચાળો કરી
જુવાનીયાઓમાં સંતાવાની ફેશન આવી હતી..
ને પરબે પરબે અહીં તરસ્યાંઓની
લાંબી લાઈન લાગી હતી..
ઘડપણને પણ ટેકનોલોજીની
કંઈક અંશે અસર લાગી ગઈ હતી..
એ કાળિયા કૂતરાને કોઈ ભીતિ સેવાઈ ગઈ હતી..

આરતીસોની©રુહાના.!

અમદાવાદ. 7/8/18

બચપણ દેખાણું

આરતીસોની

ગા8

મન મારું તરતું દેખાણું..
હસતું’ તું હણતું દેખાણું..

બચપણ જાણે ભણતર ભારો
ભણતું’ તું ડુબતું દેખાણું..

રાત પડેને પડખું જાગે,
સુખ દુઃખમાં જડતું દેખાણું..

તું’ તું, મેં’ મેં જીભા જોડી,
રણમાં એ ચણતું દેખાણું..

શબ્દની તાનારીરી વચ્ચે,
કાવ્યોમાં ભળતું દેખાણું..
આરતીસોની©રુહાના..

સનસની ચોડવું ક્યાં સહેલું છે ?

ગાલગા ગાલગા ગાલગા ગાગા

સોણલું તોડવું ક્યાં સહેલું છે,
અશ્રુ પણ ફોડવું ક્યાં સહેલું છે.

ભીંજવે હૈયું કાદવના છાંટાથી,
એને દિલ જોડવું ક્યાં સહેલું છે.?
છે હવા મહેલમાં મૌન ધારી એ,

મૌનમાં દોડવું ક્યાં સહેલું છે?

ને સ્પર્શી આંખથી ભાન ભૂલાવ્યું,
નૂર એ છોડવું ક્યાં સહેલું છે?

વાતે વાતે વતેસર થતું હો’ ત્યાં,
સનસની ચોડવું ક્યાં સહેલું છે.?

આરતીસોની©રુહાના.!

બંધ બંગલો

આરતીસોની

બંધ બંગલો

હું જ્યોતિન્દ્ર, મારી પત્ની વિમળા અને અમારે બે બાળકો.. અમે નવા બંગલામાં રહેવા આવ્યા..! આમતો નવો બંગલો ન કહી શકાય કેમકે અવાવરૂ પડેલો બંગલો ખરીદ્યો હતો અને સરસ નવું રંગ રોગાન કરાવી, નવા વાઘા સજાવી ચકાચક નવો બંગલો તૈયાર કરી ધામધૂમથી વાસ્તુ પૂજન કરાવી ગૃહ પ્રવેશ કર્યો હતો..

અમારા બંગલાની બરાબર સામે વર્ષોથી એક બંગલો બંધ હાલતમાં પડી રહ્યો હતો.. બહાર ગેટની સાઈડના એક થાંભલે જૂનવણી સ્ટાઈલમાં તકતીમાં ‘દામોદરભાઈ કચરાભાઈ ગાંધી’ લખ્યું હતું.. મારી પત્ની વિમળા કાયમ કહેતી, “અહીં સામેના બંગલામાં કોઈ રહેવા આવી જાય તો વસ્તી થોડી લાગે.”

મેં પણ સાથ પૂરાવતાં કહ્યું,
“હા સાચી વાત છે, વિમળા તારી.. આપણો બંગલો એક તો ખૂણા સાઈડનો છે અને પાછો સામે ખખડધજ, અવાવરૂ અને બંધ હાલતમાં બંગલો, એટલે થોડુંક એકલું લાગે.! કોઈ રહેતું હોય તો સારું લાગે ને વસ્તી પણ દેખાય..’

અને પ્રભુને કરવું થોડાંક જ સમયમાં કંઈક ચહલપહલ નજરે પડી. અમે ખુશ થયા, ચાલો કોઈ રહેવા આવી રહ્યું છે. બંગલામાં થોડું સમારકામ થયું, બહારની દિવાલો અને ગાર્ડન વ્યવસ્થિત રહેવા લાયક તૈયાર થઈ ગયું, અને સામાન આવ્યો.. એક દંપતી આશરે ચાલીસથી પિસ્તાળીસ વર્ષના રહેવા આવી ગયાં..

એ બંગલામાં રહેવા આવેલા દંપતીને જોઈને મને ઈર્ષ્યાની ગલીપચી થતી.. રોજ સવારે દસ વાગે ગાડીમાં બંન્ને સાથે જ નીકળતાં અને સાંજે સાથે જ આવતાં.. કદાચ ઓફિસ જતાં હશે..! ભાઈ કોઈક વખત અમારી સામે જોઈ મોંઢે સ્મિત ફરકાવી લેતાં, પણ એમની પત્ની કંઈ ખાસ અમારી આ બાજુ નજર સુદ્ધા ફેરવતાં નહીં..
“થોડાંક અભિમાની છે નહીં?” વિમળા બોલી ઉઠી..
પણ મને ગમતું.. એમની પત્નીનું જાજરમાન વ્યક્તિત્વ જોઈ દિલ ખીલી ઉઠતું.. રોજ સવારે બાગમાં ગણગણાટ કરી પાણી છાંટતી. અને એ પછી બાલ્કનીમાં બેસી ચાની ચૂસ્કીઓ લેતા બેઉં ખરેખર પારેવાની જોડી સમાન લાગતાં હતાં..

એક સાંજે ગાર્ડનમાં ખુરશી નાખી હું બહાર બેઠો હતો, સાંજે એમની કાર આવી, પણ આજે સાથે એમની પત્ની ન દેખાયાં.. મને થયું લાવ કંઈક વાતચીત કરું.. એ બહાને સંબંધ કેળવાશે.. એ દિવસે મારાથી ન રહેવાયું..મેં પાસે જઈને કહ્યું,

“હું સામેના બંગલામાં રહું છું.. જ્યોતિન્દ્રભાઈ!! કંઈ કામકાજ હોય તો કહેવું.. આજે ભાભી સાથે નથી આવ્યાં.?

એ ભાઈ મારા પ્રશ્નથી જાણે વિસ્મય ભરી દ્રષ્ટિએ મારી સામે એકી ટસે તાકી રહ્યાં, હું સમજ્યો કદાચ હમણાં એ પણ એમનું નામ બોલી ઓળખાણ આપશે.. પણ એ ભાઈ બોલ્યા,
“કોણ ભાભી?”

“તમારા પત્ની.!”

“મારા પત્ની..??

ને આગળ સ્હેજ વાર રહીને પાછાં બોલ્યાં,
“તમારી કંઈ ભૂલ થતી લાગે છે.. મારી પત્નીને તો ગુજરી ગયાને નવ વર્ષ થઈ ગયાં છે.. અને મારે ટ્વીન્સ દિકરા, ઑસ્ટ્રેલિયા ભણવા ગયા છે, ને હું અહીંયા એકલો જ રહું છું, નાનો ભાઈ નજીકમાં રહે છે ત્યાં જમી આવું છું.”

હું પસીને રેબઝેબ થઈ ગયો.. પગ તળેથી જમીન ખસી ગઈ.. મન ચકરાવે ચઢ્યું.. રુહ હચમચી ગયો.. દોડતો ઘરમાં જતો રહ્યો.. ગ્લાસ ભરીને પાણી પી ગયો.. ‘તો પછી રોજ સવારે બાગમાં ગણગણાટ કરી પાણી નાખતી હતી એ સ્ત્રી કોણ? એ ભાઈ ચા કોની સાથે પીતા હતા? કોઈ જાજરમાન સ્ત્રી રોજ સાજ શણગાર સજી એમની સાથે કારમાં નીકળી પડતી હતી એ કોણ?

-આરતીસોની©રુહાના..
અમદાવાદ

ધબકારા ઉછળતાં નથી?

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ચિનગારી પેટી તોય સળવળતાં નથી !
જોઈ કિનારે મૃત્યુ ફડફડતાં નથી !

લાલીમા હોઠે જોઈને બળતાં નથી,
ને ભાગ્ય માફક કેમ ઝળહળતાં નથી?

સમજ્યાં પરિસ્થિતિ ભીડમાં એ નાજડે,
કાગળ છે કોરો કટ્ટ ને જડતાં નથી !

ને દેહ સોંપ્યો હળવે હળવે શબ્દને,
બરકટ છતાં મીઠા દર્દો મળતાં નથી !

આ ચાંદની નક્કી ડરે છે સુર્યથી કે..
ચાંદો ને તારા દિવસે નીકળતાં નથી..

કે માંહ્યલો હિબકે ચઢ્યો છે ખુદમાં તો..
તારા કદી ધબકારા ઉછળતાં નથી?

આરતીસોની©રુહાના.!